ગુજરાત : માવઠાથી થયેલા નુકસાનની સહાય જોઈતી હોય તો ખેડૂતોએ શું કરવું, કયા દસ્તાવેજો જોઈએ?
ગુજરાત : માવઠાથી થયેલા નુકસાનની સહાય જોઈતી હોય તો ખેડૂતોએ શું કરવું, કયા દસ્તાવેજો જોઈએ?
વરસાદને લીધે રાજ્યમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે 10 હજાર કરોડનું પૅકેજ જાહેર કર્યું છે.
સરકારે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા જાહેર કર્યા છે.
મહત્તમ બે હેક્ટર સુધીની 44,000 રૂપિયાની સહાય ખેડૂતને મળવા પાત્ર છે. જેના માટેની અરજીનું કામ ઑનલાઇન 14 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ અરજી સ્વીકારવાનું કામ 15 દિવસ સુધી ચાલશે.
ઘણા ખેડૂતોને ખબર નથી કે આ સહાય મેળવવી હોય તો શું કરવું?
અસરગ્રસ્ત તાલુકામાં જે ખેડૂત છે અને તેમને ખેતરમાં માવઠાનો માર સહન કરવો પડ્યો છે તેમણે સહાય મેળવવા માટે શું કરવાનું રહેશે? કોને મળવાનું રહેશે? ક્યા દસ્તાવેજોની જરૂર પડશે? શું ખેડૂતો જાતે અરજી કરી શકશે? સહાયની રકમ કેવી રીતે મળશે? કોને આ સહાય મળી શકે? આ બધા સવાલોનો જવાબ મેળવવાની વિગતો મેળવીએ.
ગુજરાત : 'ટેકાના ભાવે ખરીદી થશે, બગડેલા પાકનું શું?', રાજકીય પક્ષોના દાવા સામે ખેડૂતોને શું મળશે?
કમોસમી વરસાદના નુકસાન અંગેની સહાયનું ફૉર્મ કેવી રીતે ભરવું?
ખેડૂતોએ માવઠાની સહાય મેળવવા માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે પણ તે ઘરે બેઠા ઑનલાઇન અરજી નહીં કરી શકે.
ખેડૂતે પંચાયત કચેરી જઇને તલાટી કમ મંત્રી અને વિલેજ કમ્પ્યૂટર ઍન્ટ્રપ્રિન્યોર એટલે કે વીસીઈની મદદ લેવાની રહેશે.
આ વિશે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામના તલાટી કમ મંત્રી એચ. ડી. બોરીચાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ખેડૂતે પોતાના ગામના તલાટી કમ મંત્રી અને વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. જે બંને ગ્રામ પંચાયતમાં સાથે જ હોય છે. ખેડૂતે આધાર કાર્ડ તેમજ બૅન્કની પાસબુક લઇને તલાટી કમ મંત્રીને મળવાનું રહેશે. તેમને કહેવાનું રહેશે કે મારા પાક(વાવેતર)નો દાખલો આપો. તે પાકનો દાખલો આપે એટલે વીસીઈ તે તમામ દસ્તાવેજ અને વિગતોને આધારે ઑનલાઇન અરજી કરી દેશે."
